India Day 2022

ઘણા લાંબા સમયના આયોજન અને અનેક વ્યક્તિઓના પરિશ્રમથી સફળતા પૂર્વક ઉજવાયેલ 'ઇન્ડિયા ડે' ના આજે એક અઠવાડિયું થયું. આપણું ગુજરાતી સમાજ શરૂઆતના તબક્કાથી જ આ સમગ્ર આયોજન માં સંકળાયેલ હતું અને આપણે જાણીએ છીએ તેમ ગુજરાતી સમાજ તરફથી ફૂડ સ્ટોલ પણ કરવામાં આવેલ જેમાં અમુક બોર્ડ/કમિટી મેમ્બર્સ  ઉપરાંત અન્ય ગુજરાતી પરિવારો એ સક્રિય ભાગ લીધેલ. આ બધા વિષે અને ખાસ કરીને ગુજરાતી સમાજ ના ફૂડ સ્ટોલ ની સફળતા વિષે સૌને જાણવાની ઉત્સુકતા હોય તે સ્વાભાવિક છે; અને તે માટે જ થાક ઉતાર્યા બાદ, હિસાબ વિગેરે કાર્યો કરી ને આજે આ અહેવાલ શેર કરવાનું બન્યું છે.

તા. 21 ઑગસ્ટ ના રોજ Kaisaniemi Puisto ખાતે ઉજવાયેલ 'ઇન્ડિયા ડે 2022' નું આ વર્ષે ભારે આકર્ષણ  રહ્યું. કોરોના મહામારી પછી આયોજિત આ ઇન્ડિયા ડે માં લગભગ બધા જ ભારતીય મૂળ ના એસોશિયેશન એ એક યા બીજી રીતે ભાગ લીધેલ. ઇન્ડિયન એમ્બેસી અને તેમાં પણ એમ્બેસેડર રવીશ કુમાર એ વિશેષ રસ લઇ બધી જ પૂર્વ-તૈયારી ઘણા મોટા પાયે કરેલ. છેલ્લી વાર્ષિક મિટિંગ માં વાત થયેલ તે પ્રમાણે બોર્ડ અને ઘણા કમિટી મેમ્બર્સ ના સૂચન પરથી આપણે પણ ફૂડ સ્ટોલ કરવાનું નક્કી કરેલ. આ એક લેવામાં સહેલો પણ પાર પાડવામાં ઘણો જ પડકારરૂપ નિર્ણય હોય છે!
મુલાકાતીઓ નો આંકડો ખાસ્સો 15,000 ને પહોંચે તેમ લાગતું હતું (પાછળથી મળેલ ખબર મુજબ લગભગ 20,000 મુલાકાતીઓ એ વિઝીટ કરેલ). સંખ્યા અને લોકો ના સ્વાદ ને અનુરૂપ ખાદ્ય સામગ્રી ની પસંદગી, જથ્થા નું અનુમાન અને ખાસ ગુજરાતી સ્વાદ ની સાથે ચોખ્ખાઈ જળવાઈ રહે તેનું પ્લાનિંગ - આ બધું ફૂડ સ્ટોલ માં ભાગ લેવા માંગતા એક્ટિવ મેમ્બર્સ એ ઝીણવટપૂર્વક વિચારેલ. એક ઉદાહરણ આપું તો, આપણી જાણીતી કચ્છી દાબેલી માટે નો મસાલો તો ગુજરાતની કોઈ ચોક્કસ દુકાનેથી આવેલ જ પણ સાથે જોઈતી ઝીણી નાયલોન સેવ પણ ગુજરાત થી જ પાર્સલ કરી ને મંગાવામાં આવેલ!

આ અને આ પ્રકાર ના અનેક નાના-મોટા કામો પાર પાડ્યા પછી આપણો ગુજરાતી સમાજ નો સ્ટોલ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે તૈયાર હતો. 'ઇન્ડિયા ડે' ના ખાસ પર્ફોર્મન્સીસ અને સ્ટેજ શો ચાલી રહ્યા હતા અને સાથે લોકો અલગ અલગ ડીશ નો આનંદ માણી રહ્યા હતા. બપોર થતા લાઈન ની લંબાઈ માણસોમાં નહિ પણ મીટર માં માપવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ અને આ લાંબી લાઈન ઘણા કલાકો સુધી રહી . સ્ટોલ પર ના વોલિન્ટિયર્સ ફૂડ કુપન ઇસ્યુ કરે, કેશ કાઉન્ટર સંભાળે અને સાથે કિચન વિભાગમાં પહોંચેલ ઓર્ડરની બીજી કોપી ને આધારે એક પછી એક ડીશ બનતી જાય. દાબેલી, સેવ ખમણી, સેવ પુરી, પાણી પુરી, લસ્સી, ગુલાબ જાંબુ જે જોઈએ તે બધું લગભગ આખો દિવસ મળેલ. ઘણા લોકો તો લાઈન માં ઉભા રહેતા પહેલા પૂછે કે એમને જોઈતી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં છે ને! આપણું વ્યવસ્થિત કુપન આયોજન જોઈ ને બે-ત્રણ નોન-ઇન્ડિયન પરિવારો એ તો પૂછ્યું પણ ખરું કે ગુજરાતી સમાજ ની તમે કોઈ રેસ્ટોરન્ટ ચલાવો છો કે?

આ બધું ચાલી રહ્યું હતું ત્યાં એમ્બેસેડર રવીશ કુમાર અને તેમના પત્ની રંજના આપણા સ્ટોલ ની મુલાકાતે આવેલા. તેમના અને બીજા ઘણા લોકોના મતે બધીજ વાનગીઓ એકદમ સ્વાદિષ્ટ હતી. બપોરના ચાર વાગ્યા સુધી રહેલ લાંબી લાઈન નો એક મતલબ એ પણ હતો કે સ્ટોલ વોલન્ટીયર્સ ને બ્રેક લેવાનો પણ સમય મળેલ નહિ.પણ, એ વ્યસ્તતા નો પણ આનંદ હતો!
સાંજ થતા 'ઇન્ડિયા ડે' પુર્ણાહુતી ના આરે આવી પહોંચેલ. અગાઉ જણાવ્યું એમ આયોજન માં ઘણી નાની નાની વાતો નું ધ્યાન રાખેલ જેમાં સ્ટોલ પર લગાડવામાં આવેલ ડેકોરેશન નું પણ ધ્યાન રાખવામાં આવેલ. આભાર વિધિ અને સમાપન પૂર્ણ કાર્ય બાદ. સ્ટોલ પર લગાવેલ ગરવી ગુજરાત ની છાપ છોડતું ડેકોરેશન સમેટવા નું ચાલુ થયું.

'ઇન્ડિયા ડે' ની સફળતા માટે ઇન્ડિયન એમ્બેસી થી લઇ ને દરેક કમિટી ના મેમ્બર્સ ને ધન્યવાદ આપવાના રહે. અને આપણા ગુજરાતી સમાજ ના સ્ટોલ માટે? વ્યક્તિગત નામ ની યાદી ઘણી લાંબી છે તેમ છતાં, આભાર અને અભિનંદન ના હકદાર આટલા લોકો તો ખરા જ...

દરેક ઉત્સાહી પરિવારો જેમને ફૂડ સ્ટોલ માં ભાગ લેવાનું નક્કી કરી ઘણા લાંબા પ્લાંનિંગ બાદ 21 ઓગસ્ટ નો દિવસ ખડે પગે વિતાવેલ
ગુજરાતી સમાજ ના વોલિન્ટિયર્સ જેમણે નાની-મોટી મદદ કરેલ. અને,
ફિનલેન્ડ અને ભારતના અલગ અલગ પ્રદેશ ના એ સૌ લોકો જેમણે આપણી વાનગી નો સ્વાદ લેવા માટે લાંબી લાઈન માં જોડાઈ આપણને પ્રોત્સાહિત કરેલ.

શક્ય છે આ લખવામાં કશું રહી ગયું હોય. પણ, આપણે ટૂંક સમય માં નવરાત્રી માટે મળીશું ને?! રૂબરૂમાં વાતો કરીશું!

Tapiolan asukaspuisto Picnic