ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે એ વાત સાચી પરંતુ એના મૂળમાં હિન્દુત્વ છે એ પણ સાચું જ છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે હિન્દૂ એક ધર્મ છે પરંતુ વૈદિક રીતે જોઈએ તો હિન્દુત્વ એક જીવન શૈલી છે અને એટલે જ આપણા પ્રાચીન ધર્મ ને "સનાતન ધર્મ" કહેવામાં આવે છે. કોઈ પણ માણસ જે વૈદિક જીવન શૈલી પ્રમાણે જીવન જીવે એને હિન્દૂ કહી શકાય, પછી એ માણસનો અંગત ધર્મ કોઈ પણ હોય. બીજી અગત્યની વાત એ કે આ હિન્દૂ જીવન શૈલી પ્રમાણે જીવવા માટે કોઈ ને પણ પોતાના અંગત ધર્મનો ત્યાગ કરવો જરૂરી નથી. ભારતમાં જેટલા પણ લોકો વસે છે એ બધા પોતાના ધર્મની સાથે હિન્દુત્વ જીવન શૈલીથી જીવી શકે છે એટલે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે.
સનાતન ધર્મનો અર્થ એવો ધર્મ છે જે આ બ્રહ્માંડના કોઈપણ સમયગાળા દરમિયાન હંમેશા સાચો હોય અને લાગુ પાડી શકાય. આ સનાતન ધર્મ, ધાર્મિક વિધિઓ વિશે અને તે ધાર્મિક વિધિઓ શા માટે કરવી અને તે કેવી રીતે વૈશ્વિક સ્તરે અથવા આ વિશ્વના તમામ લોકો માટે મદદરૂપ થઈ શકે તે વિશે કહે છે.
જેનું એક જાણીતું ઉદાહરણ ધ્યાન (meditation) ની ક્રિયા છે. ધ્યાનની ક્રિયા વિશે સૌથી વધુ, વિસ્તૃત અને વૈજ્ઞાનિક માહિતી આપણા વેદોમાં છે. જે વિશ્વના તમામ લોકો માટે છે અને આપણે જાણીએ છીએ એ મુજબ ધ્યાન કરવા માટે કોઈએ પોતાના અંગત ધર્મનો ત્યાગ કરવો જરૂરી નથી.
આ માહિતી સાર્વત્રિક છે એ હકીકત સાબિત કરવા માટે યજુર્વેદનો એક મંત્ર તેની સમજૂતી સાથે વાંચો:
યજુર્વેદ (26.2) :
Imāma vācama kalyānima
avadanī jānēbhayāha
અર્થ: કલ્યાણના આ શબ્દો બધા લોકો માટે છે.
વેદો વિષે ની થોડી વધુ માહિતી:
ભારતીય પ્રાચીન વેદો આ વિશ્વના સૌથી જૂનાગ્રંથો છે.
સનાતન ધર્મનું જ્ઞાન આ 4 વેદોમાં લખાયેલું છે.
વેદો રોજિંદા જીવન માટે માર્ગદર્શન આપે છે
વેદો આપણા જીવનની ગુણવત્તા સુધારવા માટે પણ માર્ગદર્શન આપે છે.
વેદો સાર્વજનિક છે એટલે કે તે તમામ લોકો માટે સુસંગત છે.
સામાન્ય રીતે એવું માનવ માં આવે છે કે દર પેઢી એ વિચારો બદલાય એટલે જીવન શૈલી બદલાય પરંતુ વેદો સર્વકાલિન છે એટલે કે વેદો ની માહિતિ/માર્ગદર્શન પ્રમાણે દરેક સમયે જિંદગી જીવી શકાય. આનો અર્થ એ છે કે વેદો ની માહિતી/માર્ગદર્શન સમય, યુગ કે કાળ પ્રમાણે બદલાતું નથી. કોઈ પણ સમય, યુગ અને કાળ દરમિયાન આ માર્ગદર્શનનો ઉપયોગ આપણે આપણી જિંદગી ની ગુણવતા સુધારવા માટે કરી શકીએ છીએ.
વેદો સર્વદેશિકા પણ છે એટલે કે વેદોની દરેક માહીતી કોઈપણ દેશના જીવન માટે સુસંગત છે. આ માહિતીઓ થી મળતા માર્ગદર્શન પ્રમાણે કોઈ પણ સ્થળે સારી ગુણવતા વાળી જિંદગી જીવી શકાય છે.
આમ ભારતીય સંસ્કૃતિ કોઈપણ ધર્મ સાથે અને કોઈપણ સમયે માત્ર સારી ગુણવતા વાળી જિંદગી કેમ જીવવી એનું માર્ગદર્શન આપે છે અને માટે જ સર્વધર્મ સમભાવ રાખી શકે છે. એટલા માટે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે.
-દ્રષ્ટિ ભટ્ટ